Friday, 1 August 2014

તો ખોબો ભરાઇને મળશે...

એક સ્ત્રી પોતાના નાના બાળકને સાથે લઇને
કરીયાણાની દુકાને ખરીદી કરવા માટે ગઇ. જ્યારે
સ્ત્રી ખરીદી કરી રહી હતી ત્યારે નાનો બાળક
વેપારીની સામે જોઇને હસતો હતો. વેપારીને બાળકનું
આ નિર્દોષ હાસ્ય ખુબ ગમ્યુ. જાણે કે
આખા દિવસનો થાક ઉતરતો હોય એમ લાગતુ હતુ.
વેપારીએ બાળકને પોતાની પાસે બોલાવ્યો. બાળક
જેવો વેપારી પાસે ગયો એટલે વેપારીએ નોકર પાસે
ચોકલેટની બરણી મંગાવી. ઢાંકણ ખોલીને
બરણી બાળક તરફ લંબાવી અને કહ્યુ , ” બેટા,
તારે જેટલી ચોકલેટ જોઇતી હોય એટલી તારી જાતે
લઇ લે.”
છોકરાએ જાતે ચોકલેટ લેવાની ના પાડી.
વેપારી વારંવાર બાળકને ચોકલેટ
લેવા કહેતો રહ્યો અને બાળક ના પાડતો રહ્યો.
બાળકની મા દુર ઉભી ઉભી આ ઘટના જોઇ
રહી હતી. થોડીવાર પછી વેપારીએ પોતે
બરણીમાં હાથ નાંખીને એક મુઠ્ઠી ભરીને ચોકલેટ
બાળકને આપી. બાળકે પોતાના બંને
હાથનો ખોબો ધરીને વેપારીએ આપેલી ચોકલેટ લઇ
લીધી. વેપારીનો આભાર માનીને
કુદતો કુદતો પોતાની મા પાસે જતો રહ્યો.
દુકાનેથી પાછી ફરતી વખતે માએ આ બાળકને
પુછ્યુ , ” બેટા , તને પેલા કાકા ચોકલેટ લેવાનું
કહેતા હતા તો પણ તું ચોકલેટ કેમ નહોતો લેતો ?
” છોકરાએ પોતાનો હાથ માને બતાવતા કહ્યુ , ”
જો મમ્મી મારો હાથ તો બહુ જ નાનો છે મેં
મારી જાતે જ બરણીમાં હાથ નાંખીને ચોકલેટ
લીધી હોત તો મને બહુ ઓછી ચોકલેટ મળી હોત
પણ અંકલનો હાથ બહુ મોટો હતો એમણે
મુઠી ભરીને ચોકલેટ
આપી તો મારો આખો ખોબો ભરાઇ ગયો.”
મિત્રો , આપણા હાથ કરતા ઉપરવાળાનો હાથ અને
હૈયુ બહુ મોટા છે માટે માંગવાને બદલે શું આપવું એ
એના પર છોડી દેવુ જોઇએ. આપણી જાતે
લેવા જઇશું તો નાની મુઠી ભરાય એટલુ મળશે અને
એના પર છોડી દઇશું તો ખોબો ભરાઇ એટલું
મળશે…

No comments:

Post a Comment